Saturday, 21 July 2012

એક શરણાઈવાળો


એક  શરણાઈવાળો  સાત  વર્ષ  સુધી શીખી
રાગ  રાગણી   વગાડવામાં  વખણાણો   છે

એકને જ  જાચું  એવી  ટેક  છેક  રાખી  એક
શેઠને  રિઝાવી  મોજ   લેવાને   મંડાણો   છે

કહે   દલપત  પછી  બોલ્યો   તે  કંજૂસ  શેઠ
“ગાયક   ન  લાયક  તું   ફોગટ  ફૂલાણો  છે

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું  બજાવે તો  હું જાણું  કે  તું શાણો છે”

ઊંટના તો અઢારે વાંકા


ઊંટ કહે આ સમામાં વાંકાં અંગવાળાં ભૂંડા
ભૂતળમાં પક્ષીઓ  ને  પશુઓ  અપાર છે

બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી
કૂતરાની  પૂછડીનો  વાંકો   વિસ્તાર   છે

વારણની સૂંઢ વાંકી વાઘના છે નખ વાંકા
ભેંસને તો  શિર વાંકાં  શિંગડાનો ભાર છે

સાંભળી  શિયાળ બોલ્યું દાખે દલપતરામ
 અન્યનું તો  એક વાંકું  આપનાં અઢાર છે

એક અડપલો છોકરો


એક  અડપલો   છોકરો  જીવો  જેનું   નામ
અતિશે  કરતો અડપલાં  જઈ બેસે  જે ઠામ

કાગળ કાં  લેખણ  છરી  જે  જે  વસ્તુ જોય
ઝાલે   ઝૂમી  ઝડપથી   હીરા  જેવી   હોય

ના ના  કહી  માને  નહિ  કહ્યું  ન ધરે કાન
એને પણ દિન એકમાં સર્વ મળી ગઈ સાન

ડોસો  ચશ્માં ડાબલી  મેલી  ચડિયા  માળ
 અતિ  આનંદે અડપલે  તે  લીધાં  તત્કાળ

ચશ્મા  નાક  ચડાવિયાં  ખાડાળાં  તે  ખૂબ
ડાબલી  લીધી  દેખવા  ધારીને પગ  ધુંબ

ઢીલું   ન  હતું  ઢાકણું   જબરું  કીધું  જોર
ઊઘડતાં   તે   ઉછળ્યું   કીધો   શોરબકોર

આંખો  મો  ઉપર  પડી  તેમાથી  તપખીર
ફાંફાં  મારે  ફાંકડો  ન  ધારી  શક્યો  ધીર

ચશ્માં નાખ્યાં ચોકમાં છીં  છીં  છીંકો ખાય
થાક્યો તે  થૂ  થૂ  કરી  જીવો  રોતો  જાય

ચોળે  ત્યાં તો  ચોગણો આંખે  અંધો  થાય
ડોસે   દીઠો   દીકરો   ચશ્માંના     ચૂરાય

ડોસે  ડારો દઈ  કહ્યું  હસવું  ને  થઈ  હાણ
લાડકડાં  એ  લાગનો  જીવા  છે  તું  જાણ

ચશ્માં તો વસમાં થયાં  ડબીએ વાળ્યો દાટ
જીવે ફરીને  જીવતાં  ઘડ્યો  ન  એવો ઘાટ

કરતા જાળ કરોળિયો


કરતા જાળ કરોળિયો  ભોંય પડી પછડાય
વણ  તૂટેલે  તાંતણે   ઉપર  ચડવા  જાય

મહેનત તેણે  શરૂ  કરી  ઉપર ચડવા માટ
પણ પાછો હેઠો પડ્યો  ફાવ્યો નહિ કો ઘાટ

એ રીતે મંડી રહ્યો  ફરી ફરી  બે ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા  ફરી  થયો  તૈયાર

હિંમત  રાખી  હોંશથી  ભીડયો  છઠ્ઠી  વાર
ધીરજથી  જાળે  જઈ પહોંચ્યો  તે  નિર્ધાર

ફરી  ફરીને  ખંતથી  યત્ન કર્યો  નહિ હોત
ચગદાઈ  પગ  તળે  મરી  જાત વણમોત

એ  રીતે જો  માણસો  રાખી  મનમાં  ખંત
આળસ તજી મહેનત કરે પામે લાભ અનંત