આટલુ જાણો


સૂર્યનો પ્રકાશ પીળો કે સફેદ દેખાય છે, પરંતુ હકીકતમાં તેમાં આછો જાંબલી, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ હોય છે. જ્યારે આ બધા રંગો ભેગા થાય છે ત્યારે સફેદ પ્રકાશિત રંગનાં કિરણો બને છે. પરંતુ સૂર્યના પ્રકાશિત કિરણોને વરસાદનાં ટીપાંમાંથી જોશો તો અલગ રંગ દેખાશે.

કિરણો પાણીનાં ટીપાંમાંથી પસાર થતાં રંગો જુદા પડે છે. જ્યારે વરસાદ પડતો હોય અથવા પડી રહ્યા પછી સૂર્ય તમારી પાછળ રહે તેમ ઊભા રહો અને વરસાદના પાણીનાં ટીપાંમાંથી સૂર્યપ્રકાશને જોવાનો પ્રયત્ન કરો તો તમને જાંબલી, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ રંગના પટ્ટા આકાશમાં દેખાશે. મેઘધનુષ્યમાં જુદા જુદા રંગ તમને દેખાશે. મેઘધનુષ્યમાં જુદા જુદા રંગો જોવા માટે વરસાદ અને સૂર્યપ્રકાશ બંને હોવા જરૃરી છે.


જિરાફ એ પૃથ્વી પરનું સૌથી ઊંચામાં ઊંચું પ્રાણી છે. તે દેખાવમાં તો આકર્ષક છે જ પણ એટલું જ ચપળ પણ છે. જિરાફનું આયુષ્ય ૨૫ વર્ષનું હોય છે. જિરાફની જીભ કાળા રંગની હોય છે અને તે ૨૦ ઈંચ લાંબી હોય છે. જીભ લાંબી હોવા પાછળનું કારણ એ છ કે તે આસાનીથી ખોરાકને પકડી શકે અને ચગળી શકે. જ્યારે જિરાફ તેનાં બચ્ચાંને જન્મ આપે છે ત્યારે જન્મસમયે તેનું વજન ૧૫૦ પાઉન્ડ હોય છે અને તેની ઊંચાઈ ૬ ફૂટ હોય છે. જિરાફના શરીર પર ગોળ ગોળ ટપકાંની ડિઝાઈન હોય છે. પણ ક્યારેય બે જિરાફની ટપકાંની ડિઝાઈન મળતી નથી આવતી અને આ ડિઝાઈન જ તેમને એકબીજાથી અલગ પાડે છે. જો જિરાફની ડોકની વાત કરીએ તો તે ૫ ફૂટ લાંબી હોય છે. તેમની દોડવાની ઝડપ ૫૬ કિમી પ્રતિકલાકની હોય છે, જ્યારે તેઓ ઓછામાં ઓછી ૬ ફૂટ લાંબી છલાંગ લગાવી શકે છે. નર જિરાફની ઊંચાઈ ૧૮ ફૂટ હોય છે જ્યારે તેમનું વજન ૪,૦૦૦ પાઉન્ડ હોય છે. માદા જિરાફની ઊંચાઈ ૧૬ ફૂટ હોય છે અને તેમનું વજન ૨,૫૦૦ પાઉન્ડ હોય છે. જિરાફ ખૂબ તીક્ષ્ણ નજર ધરાવે છે અને તે રંગને પણ પારખી શકે છે. જિરાફ પાણી વિના બે અઠવાડિયાં સુધી ચલાવી શકે છે. તેઓ જે વૃક્ષનાં પાંદડાં ખાય છે કે છોડ, ઘાસ ખાય છે, તેમાંથી જ તેમને પાણીનું પ્રમાણ મળી રહે છે. એક સમયેે એમ માનવામાં આવતું હતું કે જિરાફ બોલી નથી શકતા પણ તે હકીકત નથી. જિરાફનો અવાજ મનુષ્ય સાંભળી શકતા નથી. ઇતિહાસવિદ્ની જાણકારી મુજબ જિરાફ દોઢ લાખ વર્ષ પૂર્વેથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. તેમના આગળના પગ પાછળના પગ કરતાં લાંબા હોય છે. જિરાફ સહરા અને પૂર્વ આફ્રિકામાં જોવા મળે છે. જિરાફ શિંગડાં સાથે જ જન્મે છે. તેમની ઉંમરનો તાગ તેમના ટપકાંના રંગ પરથી ઓળખવામાં આવે છે. તેમના ટપકાંનો રંગ જેટલો ઘેરો તેટલી તેમની ઉંમર વધુ.

જિરાફની પૂંછડી ૮ ફૂટ લાંબી હોય છે. પૃથ્વી પર વસતા વન્યજીવોમાં સૌથી લાંબી પૂંછડી ધરાવનાર પ્રાણી જિરાફ છે. તેની પૂંછડીના છેડે કાળા રંગના વાળ હોય છે. જિરાફનો ગમતો ખોરાક એ અકાસીઆ નામની કાંટાળી વનસ્પતિ છે. તેની લાળમાં એક ખાસ પ્રકારનું રસાયણ હોય છે, જે તેને કાંટાળી વનસ્પતિ ખાવા છતાં જો ઈજા પહોંચે તો તેને રક્ષણ આપે છે. કેન્યામાં જિરાફની ત્રણ પ્રકારની જાત જોવા મળે છે અને વિશ્વમાં સૌથી વધુ જિરાફની સંખ્યા કેન્યામાં છે. કેન્યામાં ૪૫,૦૦૦થી પણ વધુ જિરાફ જોવા મળે છે.


પેન્સિલ વડે લેસન કરવાનું થાય ત્યારે એવું થતું હોય છે ને કે હું ક્યારે પેન વડે લેસન કરીશ. જો દિવાળીના વેકેશનમાં ટીચર પેન વડે અસાઈગ્નમેન્ટ્સ લખવાની છૂટ આપે તો કેવા ખુશ થઈ જાઓ છો હે ને! પણ તમને એવો વિચાર આવે છે કે આ ભૂરી, લાલ, કાળી અને અન્ય રંગીન શાહીનો ઉપયોગ કરીને જે કામ કરીએ છીએ તેની શોધ કોેણે કરી અને કેવી રીતે આ પેન શોધાઈ?
પહેલાંના સમયમાં એકદમ અણીદાર પથ્થરનો ઉપયોગ લખવા માટે કરવામાં આવતો હતો. આપણા પૂર્વજો તેની મદદથી માહિતી લખતા. આદિમાનવ પથ્થરની મદદથી દીવાલો પર ચિત્રો કોતરતો. આ ભીંતચિત્રો પર તેમની દૈનિક પ્રક્રિયા, જેવી કે વૃૃક્ષો અને છોડ ઉગાડવા કે પછી શિકાર કરવો વગેરે વિશે માહિતી મળે છે. દક્ષિણ-પૂર્વ આફ્રિકાના નામિબિયામાં આવેલી એપોલો નામના ખડક પર કોતરવામાં આવેલાં ચિત્રો વિશ્વનાં સૌથી જૂનાં ચિત્રો માનવામાં આવે છે.
જ્યારે પેપર એટલે કે કાગળ નહોતો શોધાયો ત્યારે મનુષ્યો લખવા માટે ધાતુની તીક્ષ્ણ વસ્તુ કે હાડકાંને ધારદાર બનાવીને તેની મદદથી લખતા હતા. લગભગ ૬,૦૦૦ વર્ષ પૂર્વે ઇજિપ્તના લોકોએ પેપરને મળતા પેપીરસ નામના પદાર્થની શોધ કરી. પેપર શબ્દ પણ આ પેપીરસ પરથી જ ઊતરી આવ્યો છે. હવે તેમણે જે પેપીરસ નામનો એક ટુકડો બનાવ્યો તેના પર લખવા માટે કોઈક સાધનની જરૃર હતી. ગ્રીકવાસીઓ પણ લખવા માટે પેપીરસ નહીં, પરંતુ પ્રાણીઓનાં ચામડાંમાંથી બનાવેલી એક શીટનો ઉપયોગ કરતા હતા. પેપીરસમાંથી બનાવેલા ટુકડા પર ધાતુની કે હાડકાંની વસ્તુનો ઉપયોગ કરીને લખી શકાય તેમ નહોતું. આ માટે તેમણે એક ઉપાય અજમાવ્યો. વાંસના છોડનો ઉપયોગ કર્યો. તેને એક છેડેથી અણીદાર બનાવી દેવામાં આવતો. વચ્ચેના ભાગમાં લખવા માટે વિવિધ રંગીન પ્રવાહી પદાર્થ ભરવામાં આવતો. જેમ જેમ પેલા વાંસના નળાકાર પદાર્થ પર દબાણ આવે તેમ તેમ પ્રવાહી પદાર્થ આગળની તરફ ગતિ કરતો અને એક છેડે જે અણીદાર પોઈન્ટ બનાવવામાં આવ્યો હોય ત્યાંથી બહાર સરકતો. આ આગળ જતાં રીતે ફાઉન્ટેન પેનની શોધ થઈ.
ફાઇન્ટેન પેન ઉપરાંત પક્ષીઓનાં પીંછાંનો ઉપયોગ થતો અને હોલાના પીંછાંનો ઉપયોગ પણ કરવામાં આવતો. જોકે આ પીંછાંમાંથી બનાવેલી પેન એક જ અઠવાડિયું સારું કામ આપતી પછી તેને બદલી નાખવી પડતી. આ કલમના માધ્યમથી લખવામાં ઘણો સમય પણ જતો.