બાળવાર્તા ખજાનો

રાજાના કુંવરની શિક્ષા

એક હતું નગર. આ નગરમાં પ્રતાપસિંહ નામનો રાજા રાજ્ય કરે. તેને એક કુંવર. તેનું નામ વિજય. રાજકુંવર બારેક વર્ષનો થયો એટલે રાજાએ વિચાર કર્યો કે કોઈ ગુરુ પાસે એને વિદ્યા મેળવવા મોકલવો.

નગરથી થોડે દૂર નદી કિનારે એક ગુરુનો આશ્રમ હતો. રાજાકુંવરને લઈ ત્યાં ગયા. ગુરુને કુંવરની સોંપણી કરતાં નમ્રભાવે રાજાએ કહ્યું, ‘ગુરુદેવ, યાદ રાખજો કે આ એક રાજાનો પુત્ર છે. એની વિદ્યા પણ એવી જ હોવી જોઈએ.’

કુંવરને મૂકી રાજા તો પાછા નગરમાં ગયા. ગુરુએ વિચાર કર્યો કે આ તો રાજકુંવર છે. જો હું એને સારી રીતે રાખીશ તો રાજા ખુશ થશે ને આશ્રમને વધારે દાન કરશે. આમ વિચારી ગુરુ વિજય પાસે કોઈ કામ કરાવતા નહીં. એને ભણવાની ઇચ્છા થાય તેટલું જ ભણાવતા.

છ મહિના બાદ રાજાએ કુંવરને ઘેર તેડાવ્યો. રાજાએ કુંવરને મળવા બોલાવ્યો. રાજા જોવા ઇચ્છતા હતા કે કુંવર કેવી વિદ્યા ભણ્યો છે? કુંવર આવ્યો. તેણે રાજાને પ્રણામ પણ ન કર્યા. રાજાએ થોડા સવાલો પૂછયા જેના કુંવર સંતોષકારક ઉત્તરો ન આપી શક્યો. રાજાને ખબર પડી ગઈ કે ગુરુએ કુંવરને ઘડવામાં કચાશ રાખી છે. રાજાએ ફરી કુંવરને ત્યાં ન મોકલ્યો.

ફરી બીજા ગુરુને શોધ્યા અને રાજાએ કુંવરને ત્યાં ભણવા મોકલ્યો. રાજા કુંવરને જાતે મૂકવા ગયા. પાછા ફરતા એ જ ભલામણ ગુરુને કરી જે પહેલા ગુરુને કરી હતી.

છ મહિના બાદ કુંવરને રાજાએ ઘેર તેડાવ્યો. રાજાએ ફરી એની પરીક્ષા લીધી. કુંવરના વર્તનમાં કશો જ ફેર પડયો ન હતો. આ ગુરુ પાસે રહીને પણ કુંવર કશું જ શીખ્યો ન હતો. રાજા નિરાશ થયો. કુંવરને પછી ત્યાં પાછો ન મોકલ્યો.

ફરી સારા ગુરુની શોધ ચલાવી. દૂર જંગલમાં એક ગુરુની ભાળ મળી. જંગલ વચ્ચે તેમનો આશ્રમ હતો. ત્યાં ઘણાં બાળકો વિદ્યાભ્યાસ કરતાં હતાં.

રાજા ખુદ કુંવરને મૂકવા ગયા. રાજાએ એ જ વાત ફરી દોહરાવવી જે અગાઉ કરી હતી. ને રાજા પાછા ફર્યા.

હજી તો પાંચ-છ દિવસ થયા હશે ને રાજાને ગુરુનો સંદેશ મળ્યો. ગુરુએ રાજાને બધાં કામ પડતાં મૂકી આવવા તાકીદ કરી હતી. રાજાને થયું કે શું હકીકત બની હશે? રાજા તો તરત મળવા નીકળી પડયા.

આશ્રમે ગયા ત્યારે ગુરુએ રાજાને બધી વાત કરી. હકીકત કંઈક આવી હતીઃ ગુરુના આશ્રમમાં ગરીબ અને તવંગર, બધા જ વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા. ગુરુ સૌને સમાન ગણી કામ સોંપતા અને ભણાવતા. કુંવરને પણ સામાન્ય વિદ્યાર્થી જ ગણ્યો હતો. બીજે દિવસે તેને પરોઢિયે ચાર વાગ્યે જગાડયો. કુંવર ન જાગ્યો. પ્રથમ દિવસ હતો એટલે ગુરુએ તેને માફ કર્યો. છએક વાગ્યે આશ્રમની સફાઈ માટે કુંવરને બોલાવ્યો. આવું કામ જોઈ કુંવરે તોછડાઈથી કહ્યું, ‘હું તો રાજકુમાર છું. હું અહીં વિદ્યા ભણવા આવ્યો છું. આવાં હલકાં કામ કરવાં નહીં.’ કુંવરને ગુરુએ પ્રથમ સમજાવ્યો, પણ એ ન સમજ્યો. ઉપરથી ગુરુનું અપમાન કરી ચાલવા માંડયો. ગુરુએ તેને બે તમાચા મારી દીધા. આ જોઈ કુંવર બગડયો. તે ધમકીના સ્વરે બોલ્યોઃ ‘તમે મને શિક્ષા કરનાર કોણ? મારે અહીં નથી રહેવું.’ આમ કહી કુંવર દોડયો. ગુરુના આદેશથી અન્ય શિષ્યો તેને ઢસડીને પકડી લાવ્યા. ગુરુએ તેના હાથ-પગ બાંધી ઝૂંપડીમાં પૂર્યો અને રાજાને તાબડતોબ તેડવા સંદેશો પાઠવ્યો.

આ હકીકત કહ્યા પછી ગુરુ બોલ્યા, ‘રાજન, તમારા કુંવરને લઈ જાઓ. નહીંતર એ મારા અન્ય શિષ્યોને પણ બગાડશે.’

રાજા હાથ જોડીને બોલ્યા, ‘ગુરુદેવ, તમે એને ગમે તે સજા કરશો તો પણ હું તમને કંઈ જ નહીં કહું. મારી સાચા ગુરુની શોધ સાર્થક નીવડી છે. મારે એને રાજાને યોગ્ય બનાવવો છે અને એ કામ તમે જ કરી શકશો.’

ગુરુ પણ રાજાની ભાવના સમજ્યા. તેઓ કુંવરને ભણાવવા સંમત થયા. રાજા અને ગુરુ કુંવરને મળવા તે ઝૂંપડીએ ગયા. રાજાએ જતાંવેંત કુંવરને બે તમાચા મારી કડક શબ્દોમાં કહ્યું, ‘વિજય, કાન ખોલીને સાંભળી લે. આ ગુરુ પાસે રહીને તારે તૈયાર થવાનું છે. જો એમ નહીં થાય તો પછી નગરમાં આવતો નહીં.’ આટલું કહીને રાજા સડસડાટ ચાલી નીકળ્યા.

કુંવર આખી વાત સમજી ગયો અને પછી તે મન દઈને ભણવા લાગ્યો.

છ મહિના બાદ કુંવર પિતાને મળવા ગયો. તેણે પિતાને ચરણસ્પર્શ કરી વંદન કર્યાં. રાજા સાથે સુંદર રીતે વાતચીત કરી. રાજાના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતના શ્લોક ટાંકીને આપ્યા. આ જોઈ રાજાએ કુંવરને બાથમાં લેતાં ગદગદ કંઠે કહ્યું: ‘બેટા, હવે તું રાજગાદીને યોગ્ય થયો.’





એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો.
એક દિવસ પોપટને એની મા કહે- ભાઈ, કમાવા જા ને!
પોપટ તો ‘ઠીક’ કહી કમાવા ચાલ્યો. ચાલતાં ચાલતાં ખૂબ દૂર ગયો ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો.
આંબે કાચી અને પાકી ઘણી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાય, આંબાડાળે હીંચકે ને ટહુકા કરે. ત્યાંથી એક ગાયોનો ગોવાળ નીકળ્યો. પોપટ ગાયોના ગોવાળને કહેઃ
એ ભાઈ ગાયોના ગોવાળ, ગાયોના ગોવાળ! મારી માને એટલું કહેજે કે-
પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય,
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહુકા કરે.
ગોવાળ કહે - બાપુ! આ ગાયો રેઢી મૂકીને હું તે તારી બાને કહેવા ક્યાં જાઉં? તારે જોઈતી હોય તો આમાંથી એક સરસ મજાની ગાય લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાના થડે બાંધી દીધી.
થોડીક વાર થઈ ત્યાં તો ત્યાંથી ભેંસોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંસોના ગોવાળને કહે-
એ ભાઈ ભેંસોવાળા ગોવાળ, ભાઈ ભેંસોવાળા ગોવાળ! મારી માને એટલું કહેજે-
પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી,
પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહુકા કરે.
ભેંસોનો ગોવાળ કહે - બાપુ! મારાથી તો કહેવા નહીં જવાય. તારે જોઈએ તો આમાંથી એક પાડિયાળી ભેંસ લઈ લે. પોપટે તો એક સરસ મજાની ભેંસ લીધી ને આંબાના થડે બાંધી.
થોડીક વાર થઈ તો ત્યાંથી બકરાંનો ગોવાળ નીકળ્યો. પોપટ બકરાંના ગોવાળને કહે-
એ ભાઈ બકરાંના ગોવાળ, બકરાંનો ગોવાળ! મારીને માને એટલું કહેજે-
પોપટ ભૂખ્યો નથી,  પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહુકા કરે
બકરાંનો ગોવાળ કહે- બાપુ! આ બકરાં રેઢાં મૂકીને મારાથી તારી માને કહેવા નહીં જવાય. તારે જોઈએ તો બે-ચાર બકરાં લઈ લે. પોપટે તો બે-ચાર રૃપાળાં બકરાં લઈ લીધાં ને આંબાના થડે બાંધી દીધાં.
વળી ત્યાંથી ઘેટાંનો ગોવાળ નીકળ્યો. ઘેટાંના ગોવાળે પોપટને ચાર-પાંચ ઘેટાં આપ્યાં.
પછી તો ત્યાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ અને સાંઢિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો. સાંઢિયાના ગોવાળે પોપટને એક સાંઢિયો આપ્યો.
પછી પોપટ તો ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઘોડો, હાથી ને સાંઢિયો બધાંયને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાંયને વેચી નાખ્યાં એટલે એને તો ઘણા બધા રૃપિયા મળ્યા. થોડાક રૃપિયાનું એણે સોનું-રૃપું લીધું ને તેનાં ઘરેણાં ઘડાવ્યાં.
પછી એણે ઘરેણાં નાકમાં, કાનમાં ને ચાંચમાં પહેર્યા. બીજા રૃપિયાને પાંખમાં અને ચાંચમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતાં આવતાં મોડી રાત થઈ ગઈ. ઘરના બધા ઊંઘી ગયા હતા. પોપટે તો સાંકળ ખખડાવી માને સાદ કરીને કહ્યું -
મા, મા!
બારણાં ઉઘાડો, પાથરણાં પથરાવો
ઢોલિયા ઢળાવો, શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.
મા બિચારી આખો દિવસ ઘરનું કામ કરી કરીને ખૂબ થાકી ગઈ હતી. કોણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહીં. એને થયું અત્યારે કોઈ ચોરબોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે. એણે તો બારણાં ઉઘાડયાં નહીં. પછી પોપટ કાકીને ઘેર ગયો. કાકીને ઘેર જઈને કહે -
કાકા, કાકી!
બારણાં ઉઘાડો, પાથરણાં પથરાવો
ઢોલિયા ઢળાવો, શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.
કાકીએ તો સૂતા સૂતા જ સંભળાવી દીધું- અત્યારે અડધી રાતે કોઈ બારણાં ઉઘાડતું નથી. આવવું હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહેનના ઘેર ગયો. જઈને કહે-
બહેન, બહેન!
બારણાં ઉઘાડો, પાથરણાં પથરાવો
ઢોલિયા ઢળાવો, શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.
બહેન કહે- અત્યારે કાળી રાતે તે મારા ભાઈ ક્યાંથી હોય? ભાગી જા! તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટ તો માસી, ફોઈબા વગેરે ઘણાં સગાં-વ્હાલાંને ઘેર ગયો પણ કોઈએ બારણાં ઉઘાડયાં નહીં.
છેવટે પોપટ એની મોટીબાને ત્યાં ગયો. એની મોટીબા એને ખૂબ વહાલ કરતા હતા.
મોટીબાએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો. તે કહે- આવી ગયો, મારા દીકરા! આ આવી, લે બારણાં ઉઘાડું છું, બાપુ! પછી બારણાં ઉઘાડયાં એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટીબાને પગે લાગ્યા. મોટીબાએ એનાં દુખણાં લીધાં.
પછી તો મોટીબાએ પોપટ માટે પાથરમાં પથરાવ્યાં. ઢોલિયા ઢળાવ્યા ને ઉપર સુંવાળા સુંવાળા ગાદલાં પથરાવ્યાં. પછી કહે- દીકરા! જરા અહીં બેસજે હોં, હમણાં શરણાઈવાળાને બોલાવું છું. મોટીબા તરત ત્રણ-ચાર શરણાઈવાળાને બોલાવી લાવ્યા. શરણાઈયું પૂઉંઉંઉં કરતી વાગવા માંડી.
પોપટભાઈ તો ખુશ ખુશ થઈ ગયા ને પાંખમાંથી ને ચાંચમાંથી રૃપિયા ખંખેરવા લાગ્યા. થોડી વારમાં તો આખું ઘર રૃપિયાથી ભરાઈ ગયું. પોપટભાઈ આટલા બધા રૃપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટીબા પણ ખૂબ રાજી થયા.
શરણાઈ સાંભળતાં પોપટભાઈને ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને મોટીબાએ પોપટભાઈની માને બોલાવી પોપટભાઈના રૃપિયા-ઘરેણાં એને આપી દીધાં. પોપટભાઈને દેવાનું મન નહોતું તો પણ પરાણે માની સાથે એના ઘેર મોકલાવી દીધાં.