Monday, 16 August 2010

બાળવાર્તા- સામસામી ખેંચાણી ને મારી આંખ મીંચાણી

એક હતો વાણિયો. વીરચંદ એનું નામ.

ગામડામાં રહે. હાટડી માંડે ને રળી ખાય. ગામમાં કાઠી અને કોળીઓને વઢવાડ; બાપદાદાનું વેર.

એક દિવસ કાઠી કથળ્યા અને કોળી ઉમટ્યા. સામસામી તલવારો ખેંચી બજાર વચ્ચે ઊતરી પડ્યા. કાઠીએ જમૈયો કાઢી કોળી પર ઘા કર્યો. કોળી ખસી ગયો ને કાઠી પર કૂદ્યો; એક ઘાએ કાઠીનું ડોકું હેઠું પડ્યું ને તલવાર લોહીલોહાણ.

વાણિયો તો મારામારી જોઈ હબકી ગયો. હાટડી બંધ કરીને અંદર પેઠો. અંદરથી બધું જોતો હતો ને ધ્રૂજતો હતો. ખૂન થયું, કાઠીનું ખૂન થયું; દોડો રો દોડો ! એવી બૂમ પડી. આમથી તેમથી સિપાઈસપરાં દોડી આવ્યાં; ગામધણી ને મુખી પણ આવ્યા. બધા કહે - આ તો રઘા કોળીનો ઘા. બીજા કોઈની હામ નહિ ! પણ કોરટ-કચેરીનું કામ એટલે શાહેદી વિના કેમ ચાલે ?

કોઈ કહે - આ વીરચંદ શેઠ હાટડીમાં હતા. એ આપણા સાક્ષી. ભાળ્યું ન ભાળ્યું એ જાણે. હાટડીમાં તો હતા ને ?

વાણિયાને તો પકડી મંગાવ્યો ને કર્યો હાજર ફોજદાર પાસે. ફોજદારે પૂછ્યું - બોલ વાણિયા ! તું શું જાણે છે ?

વાણિયો કહે - બાપજી ! મને તો કશી વાતની ખબર નથી. હું તો હાટડીમાં બેસી નામું લખતો હતો.

ફોજદાર કહે - બસ, તારે જુબાની આપવી જ પડશે. કહેવું પડશે કે બધું મેં નજરોનજર ભાળ્યુ છે.

વાણિયો મૂંઝાણો. ડોકું હલાવી ઘેર ગયો. રાત પડી પણ ઊંઘ આવે નહિ. આમ કહીશ તો કોળી સાથે વેર થશે ને આમ કહીશ તો કાઠી વાંસે પડશે. છેવટે વાણિયે મનમાંને મનમાં કૈંક વિચાર કરી રાખ્યો.

બીજે દિવસે કેસ ચાલ્યો. ન્યાયાધિશ કહે - વાણિયા ! બોલ. ખોટું બોલે એને પરભુ પૂછે. બોલ જોઈએ. ખૂન કેમ થયું ને કોણે કર્યું ?

વાણિયો કહે - સાહેબ !

અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા.

- પછી ?

- પછી ઈનું ઈ.

- પણ ઈનું ઈ શું ?

- સાહેબ !

અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા.

- પણ પછી ?

- પછી ?

પછી તો સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી.

એમ કહીને વાણિયો તો કોરટ વચ્ચે જ ફસકાઈને પડી ગયો ને બોલ્યો - અરે સાહેબ ! અમે વાણિયા. લોહીનો ત્રસકો ય જોઈ ન શકીએ. ઈ સામસામી ખેંચાણી અને મને તમ્મર તે એવી આવી ગઈ કે પછી સિપાઈસપરા ભેળા થયા ત્યારે જ શુદ્ધિ આવી.

ન્યાયાધિશ કહે - ઠીક; હવે ફરી વાર તારી જુબાની બોલી જા જોઈએ ?

વાણિયો કહે -

અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા
સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી.

ન્યાયાધિશે આખરે વાણિયાને રજા આપી ને કાઠીને કોણે માર્યો તે સમજાયું નહિ એટલે કેસ આખો ઊડી ગયો.

બાળવાર્તા - પેમલો પેમલી

એક હતો પેમલો ને એક હતી પેમલી.

લાકડાં કાપવાથી થાકીપાકી પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલીને કહ્યું - પેમલી ! આજ તો થાકીને લોથ થઈ ગયો છું. જો મને પાણી ઊનું કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું.

પેમલી કહે - કોણ ના કહે છે ? લો પેલો હાંડો; ઊંચકો જોઈએ !

પેમલે હાંડો ઊંચક્યો ને કહે - હવે ?

પેમલી કહે - હવે બાજુના કુવામાંથી પાણી ભરી આવો.

પેમલો પાણી ભરી આવ્યો ને કહે - હવે ?

પેમલી કહે - હવે હાંડો ચૂલે ચડાવો.

પેમલે હાંડો ચૂલે ચડાવ્યો ને કહે - હવે ?

પેમલી કહે - હવે લાકડાં સળગાવો.

પેમલે લાકડાં સળગાવ્યાં ને કહે - હવે ?

પેમલી કહે - હવે ફૂંક્યા કરો; બીજું શું ?

પેમલે ચૂલો ફૂંકીને તાપ કર્યો ને કહે - હવે ?

પેમલી કહે - હવે હાંડો નીચે ઉતારો.

પેમલે હાંડો નીચે ઉતાર્યો ને કહે - હવે ?

પેમલી કહે - હવે હાંડો ખાળે મૂકો.

પેમલે હાંડો ખાળે મૂક્યો ને કહે - હવે ?

પેમલી કહે - જાઓ હવે નાહી લો.

પેમલો નાહ્યો ને પછી કહે - હવે ?

પેમલી કહે - હવે હાંડો ઠેકાણે મૂકો.

પેમલે હાંડો ઠેકાણે મૂક્યો અને પછી શરીરે હાથ ફેરવતો ફેરવતો બોલ્યો - હાશ ! જો, શરીર કેવું મજાનું હળવુંફૂલ થઈ ગયું ! રોજ આમ પાણી ઊનું કરી આપતી હો તો કેવું સારું !

પેમલી કહે - હું ક્યાં ના પાડું છું? પણ આમાં આળસ કોની?

પેમલો કહે - આળસ મારી ખરી; પણ હવે નહિ કરું.

પેમલી કહે - તો ઠીક, હવે શાન્તિથી સૂઈ જાઓ.

બાળવાર્તા-દલો તરવાડી

એક હતો તરવાડી. એનું નામ હતું દલો.

દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી !

તરવાડી કહે – શું કહો છો ભટ્ટાણી ?

ભટ્ટાણી કહે – રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને, રીંગણાં ?

તરવાડી કહે – ઠીક.

તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા; પણ વાડી એ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું ? વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં ?

છેવટે તરવાડી કહે – વાડીનો ધણી નથી તો વાડી તો છે ને ! ચાલો, વાડીને જ પૂછીએ.

દલો કહે – વાડી રે બાઈ વાડી !

વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું – શું કહો છો, દલા તરવાડી ?

દલો કહે – રીંગણાં લઉ બે-ચાર ?

ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે – લે ને દસ-બાર !

દલા તરવાડીએ રીંગણાં લીધાં અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરી ને ખાધો. ભટ્ટાણીને રીંગણાંનો સ્વાદ લાગ્યો, એટલે તરવાડી રોજ વાડીએ આવે ને ચોરી કરે.

વાડીમાં રીંગણાં ઓછા થવા લાગ્યાં.વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ; તેને પકડવો જોઈએ. એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા - વાડી રે બાઈ વાડી !

વાડીને બદલે દલો કહે - શું કહો છો, દલા તરવાડી ?

દલો કહે – રીંગણા લઉ બે-ચાર ?

ફરી વાડી ન બોલી.એટલે વાડીને બદલે દલો કહે - લે ને દસ-બાર !

દલા તરવાડી એ તો ફાંટ બાંધીને રીંગણાં લીધાં. અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે – ઊભા રહો, ડોસા ! રીંગણાં કોને પૂછીને લીધાં ?

દલો કહે – કોને પૂછીને કેમ ? આ વાડીને પૂછીને લીધાં.

માલિક કહે – પણ વાડી કાંઈ બોલે ?

દલો કહે – વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ના ?

માલિક ઘણો ગુસ્સે થયો અને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો. પછી માલિક જેનું નામ વશરામ ભૂવો હતું તે બોલ્યો – કૂવા રે ભાઈ કૂવા !

કૂવાને બદલે વશરામ કહે – શું કહો છે વશરામ ભૂવા ?

વશરામ કહે – ડબકાં ખવરાવું બે-ચાર ?

કૂવાને બદલે વશરામ બોલ્યો – ખવરાવ ને, ભાઈ ! દસ-બાર.

દલા તરવાડીના નાકમાં અને મોમાં પાણી પેસી ગયું, તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો - ભાઈસા'બ ! છોડી દે. હવે કોઈ દિવસ ચોરી નહી કરું. આજ એક વાર જીવતો જવા દે; તારી ગાય છું !

પછી વશરામ ભૂવાએ દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાંનો સ્વાદ સુકાઈ ગયો.

બાળવાર્તા-મા ! મને છમ વડું

એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને હતી સાત છોડીઓ.

બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય.

એક દિવસ બ્રાહ્મણને વડાં ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણીને કહ્યું - આજ તો વડાં ખાવાનું મન થયું છે.

બ્રાહ્મણીએ કહે - પણ બધાંયને થાય એટલો લોટ ઘરમાં નથી. પાંચ-સાત વડાં થાય એટલો લોટ માંડ માંડ નીકળે તો પણ ઘણું.

બ્રાહ્મણ કહે - ત્યારે કંઈ નહિ; વાત માંડી વાળો.

બ્રાહ્મણી કહે - ના, એમ નહીં. પરમ દહાડે ધોળી કાકી થોડાંક વડાં આપી ગયાં હતાં તે મેં ને છોડીઓએ ચાખ્યા છે; એક તમે રહી ગયા છો. છોડીઓને વાળુ કરીને સૂઈ જવા દો. પછી હું તમને પાંચ-સાત પાડી આપીશ. મારે કંઈ ખાવાં નથી એટલે તમે એટલાં વડાં ખાઈને પાણી પીશો તો પેટ ભરાશે.

બ્રાહ્મણ કહે - ભલે, પણ તુંએ એકાદ-બે ચાખજે ને.

બ્રાહ્મણી કહે - સારું.

રાત પડી ને છોડીઓ સૂઈ ગઈ પછી બ્રાહ્મણીએ હળવેથી ઊઠીને ચૂલો સળગાવ્યો. પછી ચૂલા ઉપર લોઢી મૂકીને ઉપર ટીપૂંક તેલ મૂક્યું. પછી વડાંનો લોટ ડોઈને વડાં કરવા બેઠી. જ્યાં પહેલું વડું લોઢીમાં મૂક્યું ત્યાં ‘છમ, છમ’ થયું. આ ‘છમ છમ’નો અવાજ સાંભળી એક છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.

મા કહે - સૂઈ જા, સૂઈ જા, આ લે એક વડું. જોજે બીજી જાગે નહીં. પહેલી છોડી તો એક વડું ખાઈને પાણી પીને સૂતી.

માએ તો બીજું વડું મૂક્યું. ત્યાં તો પાછું ‘છમ છમ’ થયું. બીજી છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.

મા કહે - લે સૂઈ જા, સૂઈ જા. જોજે બીજી બહેન જાગશે. બીજી છોડી વડું ખાઈને સૂઈ ગઈ.

બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું. બ્રાહ્મણ કહે - હશે, એ તો છોકરાં છે ને !

પછી માએ ત્રીજું વડું મૂક્યું; પણ ત્યાં તો પાછું છમ, છમ, છમ ! ‘છમ છમ’ સાંભળી વળી એક છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.

મા કહે - લે. વળી તું ક્યાં જાગી ! લે આ વડું; ખાઈને સૂઈ જજે. જોજે બીજીને જગાડતી નહિ.

ત્રણ વડાં તો ખવાઈ ગયાં. હવે ચાર વડાંનો લોટ રહ્યો. બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું. વળી પાછું વડું તો ‘છમ છમ છમ’ બોલ્યું. ‘છમ છમ’ થતું સાંભળી ચોથી છોડી જાગી ને એનેય વડું આપીને માએ સુવાડી દીધી. પછી તો પાંચમી છોડી જાગી ને પાંચમું વડું એને આપવું પડ્યું. તે પછી વળી છઠ્ઠી છોડી જાગી ને છઠ્ઠું વડું એના ભાગે ગયું. ને છેવટે સાતમું વડું સાતમી છોકરીએ ખાધું. ત્યાં તો બધો લોટ ખલાસ થઈ ગયો !

બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વડાં ન ખાધાં ને પાણી પીને સૂઈ ગયાં.

Thursday, 12 August 2010

બાળવાર્તા કાબર અને કાગડો

એક હતી કાબર અને એક હતો કાગડો.

બન્ને વચ્ચે દોસ્તી થઈ.

કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી.

કાબરે કાગડાને કહ્યું - કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલોને આપણે ખેતર ખેડીએ ! દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ.

કાગડો કહે - બહુ સારું; ચાલો.

પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યાં.

થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો. જતાં જતાં કાબરને કહેતો ગયો - કાબરબાઈ ! તમે ખેતર ખેડતાં થાઓ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું.

કાબર કહે - ઠીક.

પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈનો પત્તો ન લાગે. એ તો પાછા આવ્યાં જ નહિ.

કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પાં મારવા લાગ્યા.

કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલો ને ! ખેતર તો ખેડાઈ ગયું. હવે આપણે વાવીએ.

કાગડો કહે -

ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ ! આવું છું.
કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું.

કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસમાં એ એવો તો સુંદર ઊગી નીકળ્યો કે બસ !

એટલામાં નીંદવાનો વખત થયો વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલો, ચાલો; બાજરો બહુ સારો ઊગ્યો છે. હવે જલદી નીંદવું જોઈએ, નહિતર મોલને નુકસાન થશે.

આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું :

ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ ! આવું છું.
કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું.

વખત જતાં કાપણીનો સમય આવ્યો એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ ! હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે. મોડું કાપશું તો નુકસાન થશે.

લુચ્ચા કાગડાએ કહ્યું -

ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ ! આવું છું.
કાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ. અને ખિજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી.

પછી તો કાબરે બાજરીનાં ડુંડાંમાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો, અને બીજી કોર એક મોટો ઢૂંસાંનો ઢગલો કર્યો. અને એ ઢૂંસાંના ઢગ પર થોડોક બાજરાનો પાતળો થર પાથરી દીધો જેથી ઢૂંસાંનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય.

પછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે - કાગડાભાઈ ! હવે તો ચાલશો ને ? બાજરાના બે ઢગલા તૈયાર કર્યા છે. તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ તો ફુલાઈ ગયા.

તેણે કાબરને કહ્યું - ચાલો બહેન ! તૈયાર જ છું. હવે મારી ચાંચ ઘડાઈને બરાબર થઈ ગઈ છે.

કાબર મનમાં ને મનમાં બોલી - તમારી ખોટી દાનતનાં ફળ હવે બરાબર ચાખશો, કાગડાભાઈ !

પછી કાગડો અને કાબર ખેતરે આવ્યાં. કાબર કહે - ભાઈ ! તમને ગમે તે ઢગલો તમારો..

કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂંસાંવાળા ઢગલા ઉપર જઈને બેઠા. પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈસાહેબના પગ ઢૂંસાંમાં ખૂંતી ગયાં અને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ઢૂંસાં ભરાઈ ગયાં અને કાગડાભાઈ મરણ પામ્યા !

પછી કાબરબાઈ બાજરો ઘેર લઈ ગઈ. અને ખાધું, પીધું ને મોજ કરી.